108 પશુ દવાખાનું શરૂ કરાશે, ગ્રામિણ પશુપાલકોને વિનામુલ્યે સારવાર મળશે

રાજ્યમાં 10 ગામદીઠ 1 મોબાઇલ 108 પશુ દવાખાનાનું લોકાર્પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતે કર્યું હતું. ગ્રામિણ પશુપાલકોને ઓન કોલ 1962 સેવાથી 365 દિવસ સવારે 7થી સાંજે 7 ઘરે બેઠા વિનામુલ્યે પશુ સારવાર અપાશે. આ વ્યવસ્થાથી રાજયના 3.5 કરોડ પશુઓને લાભ થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, 108 આંકને શુભ માનવામાં આવે છે કેમ કે આપણી માળામાં પણ 108 મણકાંઓ હોય છે અને 108 જાપ કરવાથી સારું પરિણામ પણ પ્રાપ્ત થતું હોય છે એવી જ રીતે આજે 108 હરતા-ફરતા દવાખાનાઓ પશુઓ માટે ખૂલ્લા મૂકવામાં આવ્યા છે.

4600 પશુપાલકોને લાભ થશે

દસ ગામ દીઠ એક મોબાઇલ પશુ દવાખાનાની યોજના GVK EMRI દ્વારા પી.પી.પી. મોડમાં કાર્યરત કરી છે. ગુજરાતમાં આ પ્રમાણેના 460 જેટલા મોબાઇલ પશુ દવાખાના કાર્યરત કરીને 4600થી વધુ ગામના પશુપાલકોના પશુઓને ઘેરબેઠા પશુ સારવાર મળે તેવી વ્યવસ્થા ઉભી થશે તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, પશુપાલકો માટે 1962 ટોલ ફ્રી નંબર ડાયલ કરવાથી વિના મૂલ્યે ગામમાં બેઠા પશુસારવાર મળશે.

Leave a comment